Homeસ્ટોરીસાસુએ વહુનું જીવન હરામ કરી નાંખ્યું પણ જ્યારે સાસુ બીમાર પડી ત્યારે...

સાસુએ વહુનું જીવન હરામ કરી નાંખ્યું પણ જ્યારે સાસુ બીમાર પડી ત્યારે વહુએ એવી સેવા કરી કે સાસુ વહુને પપ્પી કરતી થઈ ગઈ

કોકીલા પરણીને સાસરે આવી એ દિવસથી જ એના માથે પનોતી બેઠી.એનો પતિ પરાગ તો ખુબ સારા સ્વાભાવનો પરંતુ એ તો આખો દિવસ ખેતરે ખેતીકામમાં વ્યસ્ત. સાંજે ઘેર આવે ત્યારે થોડી રાહત. સ્વાભાવે તો એની નણંદ ચેતના પણ ખુબ સારી પરંતુ સાસુ ગોમતી! આખો દિવસ કચ કચ સિવાય કશું જ નહીં. રસોઈમાં શાક થોડું વધારે ચડી ગયું હોય તો તરત જ મોઢામાંથી શબ્દોનાં તીર છુટે,’અલી! આ શાક તો બાફીને ડૂવો કરી દીધું, તારામાં કાંય વેંતા છે કે નઈ? રોટલો થોડો વધારે ચડે તો! બાળીને કોલસો કરી નાખ્યો ‘અને સ્હેજ ઓછો ચડે તો ‘આ તો સાવ કાચો કચ’

શાકમાં મરચા મીઠા બાબતે પણ ‘મોળું થૂક જેવું ‘ અને ‘તીખુ લાય ‘-જેવા શબ્દો સાથે મેણાંની માર સતત કોકીલા પર વરસતી રહે. ક્યારેક વાત વધી જાય ત્યારે નણંદ ચેતના મા ને કહે, ‘મા આજ તો આ શાક મેં બનાવ્યું છે. બિચારી કોકીલાભાભીને કેમ વઢે છે? ‘ ગોમતી તરત જ ચેતના સાથે પણ ઝઘડો કરી બેસે, ‘તું તો વચ્ચે બોલીશ જ નઈ. તમે બેય જણીયું એક થઈને મને ખોટી પાડો છો પણ એમ હું તમારાથી ડરી જઉં એવી નથી હો. ઝઘડા માટે ના હોય કોઈ વાત કે ના હોય કોઈ વિષય બસ ઝઘડો અને ગોમતી એકબીજાનાં પર્યાય.

ઘણીવાર તો ફારસ જેવું થઈ જાય. કુતરૂ ઘર બાજુ જતું હોય અને કોકીલાના મોંઢેથી કુતરુને ‘હાડ્ય કુતરી’ વાક્ય અનાયાસે નિકળી જાય તો તો કોકીલાનું આવી જ બને. તેં કુતરીના બ્હાને ‘હાડ્ય કુતરી ‘મને કીધું છે. પછી તો ગાળોનો વરસાદ.હા હા હું કુતરી છું, તું સ્વર્ગની અપ્સરા હોય તો ભલે રઈ!

ચેતના તો ચોખ્ખું કહી સંભળાવે, ‘મા તું ક્યાં કુતરી છે તે તારા માથે લ્યે છે? બસ, પછી તો થઈ રહ્યું. ‘તમે બધાં ભેગાં થઈને મને મારવા બેઠાં છો પણ એમ હું કાંય મરવાની નથી હો!’ પછી અડધો કલાક બેઠાં બેઠાં રોવે. છેવટે કોકીલા અને ચેતના વગર વાંકે માફી માગીને ગોમતીને શાંત કરે.

નવરાશના સમયમાં તો ગોમતી ગમે તેને ઘેર પહોંચી જાય. મને ક મને આવકાર તો મળે જ. એ ઘરના આંગણામાં કોઈ વહુવારુ દેખાય તો તો વાતનો એક જ વિષય હોય. આ વઉનું પિયર કયા ગામ થાય? ઈ ગામનું પાણી તો બઉ આકરૂ છે. થોડો દાબ રાખજો નઈ તો સામે થતાં વાર નઈ કરે હો! જુઓ! આ મારે કોકીલા વઉ મારી સામે એક હરફ પણ ઉચ્ચારી શકે છે? હાડકાં ભાગી નાખું બેટીનાં!!

ધીમે ધીમે ગોમતી આખા ગામમાં વગોવાઈ ગઈ કારણ કે, આ ઝઘડાળું સ્વભાવ ઘર પુરતો થોડો હતો? આડોશી પાડોશી સાથે પણ આવું જ વર્તન. એટલે તો ગોમતીને કોઈ આવતાં જુએ કે તરત જ ગોમતી ભાળે ના એમ ઝાંપાનાં કટલાં બંધ કરી દે કે પછી આડા અવળાં થઈ જાય. જ્યાં સુધી ગોમતીના પતિ મોઘજીભાઈ હયાત હતા ત્યાં સુધી તો થોડું ઠીક હતું. મોઘજીભાઈ સો વિઘા જમીનના માલિક. ખમતું ઘર અને ઘેર કાયમ માટે બે ભેંસો દુઝણી તો હોય જ એટલે છાશ પાણી માટે સૌ આશા કરે. મોંઘજીભાઈ સ્વાભાવે પણ ઉદારદિલ. ગામમાં કોઈને કંઈ પણ જરૂર પડે તો મોંઘજીભાઈ પાસે દોડીને આવે. આ બધા કારણોથી ગોમતીના વઢકણા સ્વભાવ સામે સૌ આંખ આડા કાન કરે. એટલું સારુ હતું કે મોંઘજીભાઈનાં લક્ષણો પરાગમાં ઉતરી આવ્યાં હતાં. આડોશી પાડોશી અને ગામલોકો સૌ આમન્યા રાખે અને એટલે જ તો સૌ ગોમતીથી દૂર ભાગે.

કોકીલા સાત ધોરણ ભણેલી ને પરાગ મેટ્રીક પાસ. પરાગ મા ના સ્વભાવથી સંપૂર્ણ પરિચિત હતો પરંતુ ગમે તેવી હોય, “મા તો મા “છે ને! એટલે તો સાસુ વહુના ઝઘડામાં ક્યારેય માથું ના મારે એને કોકીલામાં સંપુર્ણ વિશ્વાસ હતો અને કોકીલા તો સામેથી જ કહી દેતી, ‘તમે ક્યારેય કોઈ ચિંતા ના કરશો. સાસુ તો “મા”‘-જ છે ને! આમેય કોકીલા ગોમતી સામે ક્યારેય એક શબ્દ પણ ક્યાં બોલતી હતી એને તો ગોમતીનાં શબ્દ બાણ માત્ર ઝીલવાનાં જ હોતાં ને!

ચેતના પરણીને સાસરે ગઈ. હવે તો પૂછવું જ શું? ‘આ મારી છોડી હતી એટલા ઘડી બરાબર હતું પણ તને હવે કે’વાવાળું કોણ ? હવે તો તું સાવ ફાટી જઈ છે પણ મારી આગળ તારુ કાંય નઈ ચાલે. મૂઠ, મેલી વિદ્યા, જાદુ જંતર જે કરાવવું હોય ઈ કરાવજે પણ ઘી દૂધ ખાધેલી આ ગોમતીને કાંય નઈ થાય. જો કેવી અડીખમ છું? ‘ઝઘડાને ક્યાં કોઈ વિષય જોઈએ…

કોકીલાને તો હસવું કે રડવું એ જ ના સમજાય. બસ, એને તો હવે સાસુનો સ્વભાવ કોઠે પડી ગયો હતો. કોકીલાના પિયર સુધી ગોમતીના સ્વભાવની વાત પહોંચી ગઈ હતી પરંતુ ગોમતીની માબાપ આગળ કોઈ રાવ ફરિયાદ નહીં. એને મોંઢે તો એક જ વાક્ય હોય, ‘જગત છે આ તો! મનમાં આવે એ બોલે બાકી હું સાસરીમાં સુખી જ છું. તમે સૌ મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં. સમયના વહેણમાં સરકતાં સરકતાં કોકીલા બે બાળકોની માતા બની. પ્રથમ ખોળે દિકરી જન્મતાં જ ગોમતીનો કકળાટ વધી ગયો. ‘ભમરાળીએ પેલા ખોળે જ પથરો પટક્યો.’

બે વરસનાં મહેણાં ટોણાંએ કદાચ ભગવાનને પિંગળાવ્યા હોય કે ગમે તે હોય પણ બીજા ખોળે દિકરાનો જન્મ થતાં જ કંઈક રાહત થઈ પરંતુ આ તો સાસુ ગોમતી! એને આમ ખુલ્લામાં નવડાઈને મારા દિકરાને કો’કની નજર લગાડીને માંદો પાડવો છે તારે? ‘આ એના લમણે કાળું ટપકું કર્ય. આ તારા બાપે આપેલ સોનાનું ઓમ નઈ પેરાવે તો નઈ ચાલે? -એક તો મારો છોકરો રૂપાળો છે ને એમાં પાછું ઓમ પેરાઈને તારે એને માંદો પાડવો છે. સારૂ છે તે છોડી ને છોકરો બેય મારા પરાગલા ઉપર ગયાં છે.’જેવાં વાક્યોનો મારો તો સતત કોકીલા પર થતો રહ્યો. હા, કોકીલાના દિકરાને તો કોઈની ના નજર લાગી કે ના બિમાર પડ્યો પરંતુ ગોમતી જરૂર બિમાર પડી. કોકીલાએ દવાખાને લઈ જવાની વાત કરી પણ આ તો ગોમતી! વહુની વાત એમ કઈ માને?

મોતીઝરો (ટાઈફોઈડ)માથે ચડી ગયો ત્યાં સુધી આચર કુચર દવા દારુ કર્યે ગયાં. છેવટે દવાખાને દાખલ થવું પડ્યું. લોહીના બાટલા ચડાવવા પડ્યા. રક્તદાનના ડરના એ સમયમાં કોકીલાએ રક્તદાન કર્યું. કેવા કર્મ સંજોગ કે વઢકણી સાસુ અને શાંતિપ્રિય વહુનું બ્લડગૃપ એક હતું! પંદર દિવસે ઠીક થતાં ગોમતીને કોકીલા ઘેર લઈ આવી. ગોમતીને બોલાવવા માટે મહેમાનોનો દોર શરૂ થઈ ગયો. અલાયદા ઓરડામાં ગોમતીનો ખાટલો. આવેલ મહેમાનો ગોમતીને બોલાવી સાંત્વના આપીને બાજુના ઓરડામાં વાતે વળગે. કોકીલાનાં પિયરીયાં પણ સમાચાર લેવા આવ્યાં હતાં. મોતના મુખમાંથી પાછી ફરેલ ગોમતી સરવા કાને બાજુના ઓરડામાં બેઠેલ મહેમાનોની વાતો સાંભળ્યા કરે.

‘આ કોકીલા હોય ને ગોમતીમાને જીવતાં ઘરે લાવે. ત્રણ ત્રણ દવાખાને ગોમતીમાને ડાકટરોએ સંગર્યાં નતાં. ડાકટર છુટી પડ્યા કે અમે દવા નઈ કરીએ. આ ડોશીમામાં કાંય નથી. આ કોકીલા હોય ને ડાકટરને વિનંતી કરીને ચોથે દવાખાને દાખલ કરાવે! ત્રણ ત્રણ દિવસ તો કોકીલાએ ખડે પગે ઉભા રઈને દવા કરાવી. ચોથા દા’ડે તો બધાંય ના પાડતાં’તાં તોય કોકીલાએ એનું લોય આલ્યું. બાકી સૌને ખબર છે કે, ગોમતીમાએ કોકીલા સાથે કેવું વર્તન કર્યું છે.

પાંચેક દિવસમાં મહેમાનોનો ધસારો બંધ થઈ ગયો. ગોમતી ખાટલામાં ચૂપચાપ પડી રહે અને આંસુ સાર્યા કરે. કોકીલા સતત પુછ્યા કરે, ‘મા! તમે કેમ કંઈ બોલતાં નથી? તમારા શબ્દો સાંભળવાની તો મને કાયમની ટેવ પડી ગઈ છે. તમારા ઠપકા વગર મને ચેન નથી પડતું. કંઈક તો બોલો મા! ‘પરંતુ ગોમતીનો કોઈ જવાબ નહીં.

કોકીલા અને પરાગને ચિંતા પેઠી. ગોમતી માનું ક્યાંય છટકી ના જાય! પેટ ભરવા પુરતું ગોમતી જરૂર ખાતી હતી. કોકીલા મોસંબી, નારંગીનો રસ મહાપરાણેય પીવડાવતી અને ફળફળાદિ પણ વિનંતી કરીને થોડાં થોડાં ખવડાવતી પરંતુ ગોમતીની આંખોમાંથી આંસુ સુકાતાં નહોતાં. આમ ને આમ પંદર દિવસ વીતી ગયા. આડોશ પાડોશમાં પણ વાતો થવા માંડી કે, ‘ગોમતીમાનું નક્કી છટકી ગયું છે. ગોમતીએ પંદર દિવસે મોં ખોલ્યું. પરાગ, ચેતના અને બે ત્રણ પાડોશી પણ હાજર હતાં. ગોમતીના મોઢામાંથી શબ્દો સર્યા, ‘શું બોલું બેટા !આ તારુ લોય મારા લોયમાં ભળી ગયું છે ઈ મને કાંય બોલવા દેતું નથી. તારા લોયે મારા ઝગડાળું સ્વભાવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ને એના વગર તો આજ સુધી મને બીજું કાંય બોલતાં પણ ક્યાં આવડ્યું છે મારી દીકરી! મને માફ કરી દે કોકીલા દિકરી! ‘કોકીલા ગોમતીને ગળે વળગી પડી. રડતી આંખો સાથે એના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા “મા! “

પંદર દિવસે દવાખાને બતાવવા ગયાં. બધું બરાબર હતું. દવાખાનેથી પાછા ફરતાં બજારમાં ફોટો પાડવાની દુકાન દેખાતાં જ સાસુ ગોમતીએ કોકિલાને કહ્યું, ‘હેડ્ય અલી, તારો અને મારો ભેગો ફોટો પડાવવો છે. ફોટો પડાવવા માટેના બાંકડા પર ગોમતીમા કોકીલાને બાથ ભીડીને બેઠાં અને કોકીલાના ગાલે બકી ભરીને ફોટો પડાવ્યો. બીજા અઠવાડિયે તો એકલાં શહેરમાં જઈને ફોટો મઢાવીને ઘેર લાવીને ઓસરીની ભીંતે લટકાવી દીધો. આખા ફળીયામાં વધાઈ ખાઈ આવ્યાં, અલી આવો સૌ જોવા અમારી સાસુ-વઉનો ફોટો! સમય મળ્યે સૌ નજર નાખી જતાં હતાં. ફોટો જોઈ સૌ મોઢામાં આંગળાં નાખી જતાં હતાં.

લેખન -નટવરભાઈ રાવળદેવ થરા (પ્રાથમિક શિક્ષક)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments