ગોંડલ તાલુકાના વાછરા ગામના રહેવાશી શ્રી દામજીભાઈ સોરઠીયા ખેતીકામ કરીને પરિવારને મદદ કરતા હતા. બે દિવસ પહેલા એ જ્યારે એના ખેતર પર હતા ત્યારે એક બાજ પક્ષીએ મધપૂડા પર હુમલો કર્યો. હુમલો થતા જ ઝેરી મધમાખીઓ પણ પ્રતિકાર કરવા સજ્જ બની.
જ્યાં મધપૂડો હતો ત્યાં નજીકમાં જ ખેતરમાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારના 4 નાના બાળકો રમી રહ્યા હતા. મધમાખીઓએ સીધો જ દોઢ વર્ષથી છ વર્ષ સુધીની ઉંમરના ફૂલ જેવા માસૂમ બાળકો પર હુમલો કર્યો. બાળકોની રાડા-રાડી અને મધમાખીઓના ઝૂંડને જોઈને દામજીભાઈ પરિસ્થિતિ પામી ગયા.
સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં માણસ પોતાની જાતને બચાવવા માટે દૂર ભાગે પરંતુ દામજીભાઈ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનો જીવ જોખમમાં મૂકીને માસૂમ બાળકોને બચાવવા દોડ્યા. બાળકોને પકડીને ગોડાઉનમાં ધકેલી દીધા અને ઝડપથી ગોડાઉનનો દરવાજો બંધ કરી દીધો. મધમાખીઓ હવે દામજીભાઈ પર તૂટી પડી અને અસંખ્ય ડંખ માર્યા.
દામજીભાઈના પ્રયાસથી શ્રમિક પરિવારના ચારે બાળકો બચી ગયા પરંતુ બાળકોને બચાવનાર દામજીભાઈ ઝેરી ડંખને કારણે અવસાન પામ્યા. ઝેરી મધમાખીઓના ડંખની પારાવાર પીડા ભોગવનાર દામજીભાઈના ચહેરા પર બાળકોના જીવ બચાવ્યાનો પૂર્ણ સંતોષ હતો. હંમેશા બીજાને મદદ કરવાનો માયાળુ સ્વભાવ ધરાવતા દામજીભાઈએ બીજાને મદદ કરીને જ જીવનલીલા સંકેલી.
સૈનિકો જેવી રીતે સીમા પરની લડાઈમાં જીવ આપીને પણ આપણી સૌની રક્ષા કરે છે એવી જ રીતે દામજીભાઈ સોરઠીયાએ દેશના ભવિષ્ય સમાન બાળકોની રક્ષા કરવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. પ્રભુ, એમના દિવ્યાતમાને સદગતિ આપે એવી પ્રાર્થના.
લેખકઃ શૈલેષ સગપરીયા