Homeરસપ્રદ વાતોશાળાએ જતા બાળકોને દફતરના વજનના કારણે અનેક સમસ્યાઓ થાય છે, જાણો દફતરનું...

શાળાએ જતા બાળકોને દફતરના વજનના કારણે અનેક સમસ્યાઓ થાય છે, જાણો દફતરનું વજન કેમ ઘટાડશો ?

શાળાએ જતાં આજના બાળકોની વધુ એક કરુણતા એ છે કે એમના દફતરનું વજન એટલું બધું થઈ ગયું છે કે આપણે ઉપાડીએ તો જ ખબર પડે. લગભગ એક 15 લિટરના તેલના ડબ્બા કરતાં પણ બાળકોના દફતરનું વજન વધારે હોય છે. પછી બાળક કયા ધોરણમાં ભણે છે એનું પણ મહત્વ નથી. પાંચમા ધોરણનું બાળક હોય કે દસમા ધોરણનું બાળક હોય પરંતુ સ્કૂલ બેગનું વજન 15 કિલો માની જ લેવાનું.

બાળકો રોજ આવા 15 કિલોના બેગ ઉપાડીને શાળાએ જાય અને આવે, તો સ્વાભાવિક છે કે એમના ખભાનો દુખાવો વધી જાય અને એના લીધે બાળકની કરોડરજ્જુ પર પણ ખરાબ અસર પડે. આવા બાળકો શરીરથી વધારે થાકી પણ જાય છે.

વચ્ચે આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા હતા પરંતુ એ પ્રયોગ લગભગ હાસ્યપ્રેરક હતા. એમાં કશું થઈ શક્યું નહીં. મારી પાસે દફતરનું વજન ઘટાડવા માટે કેટલાક આઈડિયા છે. જે નીચે મુજબ છે.

સૌ પ્રથમ તો એ નક્કી કરો કે બાળકના દફતરનું વજન કેટલા કિલો છે.

એની અંદર મુખ્ય બે વસ્તુ હોય છે. નોટબુકો અને પાઠ્યપુસ્તકો. પાઠ્યપુસ્તકોનું વિભાજન કરી નાખવાનું અર્થાત કે કોઈક એક પાઠ્યપુસ્તક હોય એના ચારથી પાંચ ભાગ કરી નાખવાના અને જે પાઠ સ્કૂલમાં ચાલતો હોય તે જ ભાગ લઈ જવો. આ રીતે તમામ પાઠ્યપુસ્તકના ટુકડા કરી નાખવા. પછી એનું અડધી કિંમતમાં શું ઉપજશે એ ચિંતા નહિ કરવાની.

નોટબુકોનું વજન વધારે હોય છે. તે બાબતે એવું કરવાનું કે એક ફાઈલમાં માત્ર કોરા કાગળો રાખવાના અને જે કંઈ લખાવામાં આવે તે વિષય પ્રમાણે જુદા જુદા કોરા કાગળમાં લખ્યા કરવાનું. ઘેર ગયા પછી તમામ વિષયની અલગ અલગ ફાઈલો રાખવાની અને જે તે વિષયના કાગળ જે તે વિષયની ફાઇલમાં લગાવી દેવાના. અર્થાત કે સ્કૂલ ની અંદર એક કાગળમાં ગુજરાતીમાં લખાણ કરેલું છે, બીજા કાગળમાં હિન્દીમાં લખાણ કરેલું છે ત્રીજા કાગળમાં ગણિતનું લખાણ કરેલું છે. તો આ બધા કાગળ ઘેર જઈને, ગુજરાતીની ફાઇલમાં ગુજરાતીનું કાગળ, હિન્દીની ફાઈલમાં હિન્દી નું કાગળ અને અંગ્રેજીની ફાઇલમાં અંગ્રેજીનું કાગળ. આવું કરવાથી પાઠ્ય પુસ્તકોનું વજન પણ લગભગ પાંચમા ભાગનું થઈ જશે.નોટબુકોનું તમામ વજન કેન્સલ થઈ જશે અને એક જ ફાઈલ હશે. જેમાં કોરા કાગળ જ હોય.તે પણ થોડાક જ.

આ પ્રમાણે વાલીઓએ પોતે વિચારીને દફતરના વજનના પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી છે. મેં એક શિક્ષક તરીકે આ પ્રયોગ ઘણી વખત ક્લાસમાં કર્યો છે અને આ સફળ પ્રયોગ છે.

આવું કરવાથી બોર્ડનું રીઝલ્ટ એક ટકો પણ ઘટતું નથી.વળી બોર્ડનો એવો કોઈ નિયમ નથી કે દફતરની વજન ઘટાડી ન શકાય.કોઈ વ્યક્તિ વિરોધ પણ કરતું નથી.

પરંતુ આપણે એટલા બીબાઢાળ બની ગયા છીએ કે આપણને પ્રશ્નો ઉકેલવા કરતા ફરિયાદો કરવામાં વધુ રસ છે. મને શિક્ષક તરીકે બાળકોના દફતરનું વજન જોને વિચાર આવે છે કે હું પોતે જ આ વજન ઉપાડી શકતો નથી તો પછી બાળકો તો શું ઉપાડી શકે!!

વળી શિક્ષણના વધારે પડતા બોજાના કારણે બાળકો આવા બિનજરૂરી વજન ઉંચકીને થાકી જાય છે.થાક લાગવાના લીધે બાળકો સારી રીતે અભ્યાસ પણ કરી શકતા નથી અને રાત્રે ઊંઘ આવી જતી હોય છે.આ બેગનું વજન ઘટાડવાના નક્કર ઉપાયો છે. હવે માત્ર આપણે ઉપાયોને અમલમાં મૂકવાના બાકી રહે છે.

કર્દમ ર. મોદી, M.Sc.,M.Ed. પાટણ(ઉ.ગુ.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments