Homeજાણવા જેવુંશું તમે મળ, મૂત્ર, છીંક બગાસા વગેરેને રોકો છો તો આટલું જરૂર...

શું તમે મળ, મૂત્ર, છીંક બગાસા વગેરેને રોકો છો તો આટલું જરૂર વાંચી લેજો, નહીતર આખી જીંદગી પછતાવું પડશે.

આપણું શરીર તે ખૂબ જ સારી બનાવટનાં એક જટિલ મશીન કરતાં ઓછું નથી. તેમાં ચયાપચયની ક્રિયા સતત ચાલતી રહે છે. નવાં કોષો સતત બને છે અને જૂના કોષ સતત નાશ પામે છે. શરીરમાં રહેલાં વિવિધ મળ દ્રવ્યો તે મૂત્ર, મળ કે પરસેવા મારફતે બહાર નીકળે છે. કેટલીક વખત શરીરને જરૂરિયાત જણાતાં મગજમાં રહેલ તંતુઓ બગાસાની પણ ઉત્પત્તિ કરે છે. આ બધાં જ વેગો તે શરીરની જરૂરત છે અને તે કારણ વિના ઉત્પન્ન થતાં નથી.

ઘણી વખત કામનાં કારણે કે અન્ય કારણોથી ઘણી વ્યક્તિઓ મળ કે મૂત્રનાં વેગોને રોકી રાખતાં હોય છે. જાહેરમાં ઓડકાર ખાવો કે બગાસું ખાવું તેને ઘણી વખત વ્યક્તિનાં સંસ્કારની સાથે સાંકળી લેવામાં આવે છે. તેને સભ્ય સમાજમાં ઘણી વખત ઘૃણાની દ્રષ્ટિએ જોવામાં આવે છે અને કદાચ તે કેટલાંક અંશે કે કોઈક પરિસ્થિતિમાં યોગ્ય હશે પણ આવાં કોઈ પણ વેગોને રોકી રાખવાં તે યોગ્ય નથી.

આયુર્વેદનાં મહાન આચાર્ય ચરકે જણાવ્યું છે કે તેર એવાં વેગો છે જેનું ધારણ કરવાથી અથવા તો જયારે વેગ આવે ત્યારે તેને રોકી રાખવાથી અન્ય અનેક પ્રકારનાં રોગોની ઉત્પત્તિ થાય છે. યોગ્ય આહાર વિહારોનું સેવન કરવામાં આવે પણ જો આ વેગોનું ધારણ વારંવાર કરવામાં આવે તો તે આગળ જતાં શરીરમાં વિવિધ રોગની ઉત્પત્તિ કરે છે. તો આવો તેનાં પર એક નજર નાખીએ.

1. મૂત્રનો વેગ રોકવાથી થતી હાનિ – તે આગળ જતાં મૂત્ર કરતી વખતે વેદના, મૂત્રાશયમાં પીડા, વંક્ષણ પ્રદેશમાં પીડા પેદા કરી શકે છે. તે શિરઃશૂળ પણ પેદા કરી શકે છે. 2. મલનો વેગ રોકવાથી થતી હાનિ – તે આંતરડામાં વેદના, મળનું રોકાઈ જવું, અપાન વાયુની દુષ્ટિ થવી અને પેટમાં ગેસ ભરવા જેવી અનુભૂતિ પેદા કરે છે. 3. વીર્યનો વેગ રોકવાથી થતી હાનિ – તે શિશ્ન તથા વૃષણમાં પીડા, હ્ર્દયમાં વેદના અને મૂત્ર રોકાઈ રોકાઈને આવવું તેવાં લક્ષણો પેદા કરે છે.

4. અપાનવાયુ કે વાછૂટનો વેગ રોકવાથી થતી હાનિ – વાયુ, મળ અને મૂત્ર રોકાઈ જવાં, પેટમાં ગેસની અનુભૂતિ, શ્રમ કાર્ય વિના થાકની અનુભૂતિ અને વાયુ સમ્બન્ધી વિવિધ રોગોની ઉત્પત્તિ થાય છે. 5. વમન કે ઊલટીનો વેગ રોકવાથી થતી હાનિ – તેનાંથી ખંજવાળ, સોજા, ભોજનમાં અરુચિ, તાવ અને વિવિધ પ્રકારનાં ચામડીનાં રોગો પણ થઇ શકે છે. 6. છીંકનો વેગ રોકવાથી થતી હાનિ – તેનાંથી માથામાં દુખાવો, જ્ઞાનેન્દ્રિયોમાં દુર્બળતા તથા ચહેરાં પર લકવાની અસર પણ થઇ શકે છે.

7. ઓડકારનો વેગ રોકવાથી થતી હાનિ – હેડકી આવવી, શ્વાસ ચડવો, હ્ર્દય અને છાતીમાં પીડા કે જકડાવવા જેવી અનૂભૂતિ થઇ શકે છે. 8. બગાસાંનો વેગ રોકવાથી થતી હાનિ – શરીર ઝૂકવું, શરીર તથાં હાથ પગમાં કંપન, શિરમાં શૂન્યતા ટાટા વિવિધ ગળાથી ઉપરનાં રોગો થઇ શકે છે. 9. ભૂખનો વેગ રોકવાથી થતી હાનિ – શરીરમાં પાતળાપણું, દુર્બળતા, શરીરનાં વર્ણ કે રંગમાં પરિવર્તન, ચક્કર આવવા અને અંગોમાં વેદના જોવા મળી શકે છે.

10. તરસનો વેગ રોકવાથી થતી હાનિ – કંઠ અને મુખ સૂકાવું, થાક, હ્ર્દયમાં પીડા અને કાનમાં સમસ્યા જણાવવામાં આવી છે. 11. આંસુઓના વેગ રોકવાથી થતી હાનિ – શરદી, નેત્ર રોગ, હૃદયના રોગ, ભોજનમાં અરુચિ અને ચક્કર જેવાં લક્ષણો થઇ શકે છે. હ્ર્દય રોગમાં લાગણીઓને ખૂબ પ્રધાનતા આપવામાં આવી છે. આંસુઓ ત્યારે જ ઉદ્ભવે છે કે જયારે મનુષ્ય લાગણીશીલ બને. હાલમાં આધુનિક વિજ્ઞાન પણ માને છે કે માનસિક રીતે પરેશાન વ્યક્તિને હ્રદયરોગ થવાની સંભાવના વધુ છે. 12. નિદ્રાનો વેગ રોકવાથી થતી હાનિ – અંગો તૂટવા, આળસ, શિરમાં વેદના, નેત્રોમાં ભારેપણું વગેરે જોવા મળે છે. 13. શ્રમથી ઉત્પન્ન શ્વાસનો વેગ રોકવાથી થતી હાનિ – ગુલ્મ, હ્રદયરોગ અને મૂર્છાની ઉત્પત્તિ થઇ શકે છે.

આ ઉપરાંત વેગો ઉપસ્થિત ન થયાં હોય છતાં પણ બળ પૂર્વક તે વેગોને કરવાનાં પ્રયત્ન પણ ઉપરોક્ત વિવિધ પ્રકારનાં રોગોને ઉત્પન્ન કરે છે. ઉપરોક્ત 13 વેગ જયારે ઉપસ્થિત થાય ત્યારે તેની અવગણના ન કરતાં તેને પસાર થઇ દેવાં જોઈએ. તે જ સુખી અને સ્વસ્થ જીવન જીવવાં માટે ઘણું જરૂરી છે. આયુર્વેદ શાસ્ત્ર તે મનુષ્યનાં જીવનની નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખે છે અને તેને આગળ જતાં મોટાં રોગમાં રૂપાંતરિત થતાં રોકવાનું કામ કરે છે. આયુર્વેદનું ગહન શાસ્ત્ર તે સામાન્ય જનતામાં પહોંચવું તે પણ ખૂબ જરૂરી છે.

લેખક- વૈદ્ય મિલિન્દ તપોધન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments