આપણને મહાભારતમાં અનેક દંતકથાઓ, લોકકથાઓ અને અન્ય કથાઓ જોવા મળે છે. કર્ણનું મૃત્યુ કેવી રીતે થયું હતું તે જાણવા માટે આપણે મહાભારત એક કર્ણ કથા વિષે જાણીશું.
મહાભારત કથા અનુસાર, કર્ણ, પરશુરામજીના આશ્રમમાંથી શિક્ષા મેળવ્યા બાદ જંગલમાં ભટકતો હતો. આ સમય દરમિયાન, તે શબ્દભેદી વિદ્યા શીખી રહ્યો હતો. એક દિવસ જ્યારે તે આ વિદ્યા શીખી રહ્યો હતો, ત્યારે તેણે એક ગાયના વાછરડાને જંગલી પ્રાણી સમજી શબ્દભેદી બાણ માર્યું અને આ બાણથી વાછરડાનું મૃત્યુ થયું.
તે વાછરડાના સ્વામીએ કર્ણને શાપ આપ્યો કે, “જેવી રીતે તે એક અસહાય વાછરડાની હત્યા કરી હતી, તેવી જ રીતે તું પણ એક દિવસ અસહાય બનીને મૃત્યુ પામીશ, અને તે સમયે તારું ધ્યાન શત્રુથી કોઈ બીજા કાર્ય પર હશે.”
કર્ણની સાથે આવું જ થયું હતું. જયારે કર્ણ અર્જુન સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો, ત્યારે તેના રથનું પૈડું વારંવાર જમીનમાં ફસાઈ જતું હતું. કર્ણએ રથના પૈડાને બહાર કાઢી ફરીથી લડવાનું શરૂ કર્યું.
થોડા સમય પછી તેના રથનું પૈડું ફરી પાછું જમીનમાં ફસાઈ ગયું, ત્યારે કર્ણએ તેને ફરીથી બહાર કાઢવાનું શરૂ કર્યું અને તે સમયે કર્ણને ડર પણ લાગતો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન રથના પૈડા પર હતું. આ સમયે તે અસહાય થઈ ગયો હતો. ત્યારે અર્જુને કર્ણની હત્યા કરી. જેવી રીતે કર્ણએ વાછરડાને માર્યો હતો તેવી જ રીતે અર્જુને કર્ણને માર્યો.