Homeસામાજીક કહાનીબીજાના માતા-પિતાની પોતાના માતા-પિતાની જેમ જ સેવા કરતા ડો.મોદી, એમના પત્નિને વંદન.

બીજાના માતા-પિતાની પોતાના માતા-પિતાની જેમ જ સેવા કરતા ડો.મોદી, એમના પત્નિને વંદન.

મુંબઇમાં રહેતા ડો. ઉદય મોદી ભાયંદર વિસ્તારમાં એમનું આયુર્વેદીક દવાખાનું ચલાવે છે. એકદિવસ રાતે લગભગ 10 વાગ્યાની આસપાસ ડો. મોદી દવાખાનું બંધ કરવાની તૈયારીમાં હતા ત્યારે 82 વર્ષની ઉંમરના વૃધ્ધ દાદા દવા લેવા માટે આવ્યા. આમ તો આ દાદા એમના દવાખાને દવા લેવા માટે નિયમિત રીતે આવતા પરંતું આજે ડો. મોદી સાથે વાત કરતા કરતા દાદા રડી પડ્યા.

ડો.મોદીએ દાદાજી સાથે લંબાણપૂર્વક વાત કરી ત્યારે જાણવા મળ્યુ કે આ 82 વર્ષના દાદા અને એમના 78 વર્ષની ઉંમરના પત્નિ બંને એકલા જ રહે છે. એમને ત્રણ દિકરા છે પરંતું દિકરાઓ અલગ રહે છે. વૃધ્ધોની સેવા કરનાર બીજુ કોઇ જ નથી. દાદી લકવાગ્રસ્ત હતા અને દાદાજીને પગનો વા હતો એટલે ચાલી શકાતું નહી. દાદાજીએ વ્યથા ઠાલવતા કહ્યુ કે મારા પત્નિની હાલત એવી છે કે એ રસોઇ બનાવી શકે તેમ નથી અને બહારથી ટીફીન લાવવા માટે અમારી પાસે પુરતી બચત નથી.

ડો. મોદીને આ વાત હલબલાવી ગઇ. ઘરે જઇને એમણે એમના પત્નિ કલ્પનાબેનને આ વાત કરી. મોદી દંપતિએ એવું નક્કી કર્યુ કે આપણા ઘરેથી જ આપણે રોજ એમને ટીફીન મોકલાવીએ. બીજા દિવસથી જ આ ટીફીન સેવા શરુ થઇ ગઇ. ડો.મોદીના પત્નિએ વધારાની રસોઇ બનાવવામાં કંટાળો બતાવવાના બદલે ઉલટાનું એમ કહ્યુ કે આવા તો બીજા ઘણા વૃધ્ધો હશે જે એકલા રહેતા હશે અને શારીરીક અશક્તિને કારણે રસોઇ નહી બનાવી શકતા હોય અથવા આર્થિક સ્થિતીની કારણે બહારથી જમવાનું નહી મંગાવી શકતા હોય અને ભૂખ્યા રહેતા હશે. આપણે આવા બધા લોકો માટે ટીફીન સેવા શરુ કરીએ.

ડો. મોદીએ આવા એકલા રહેતા અને જમવાની વ્યવસ્થા ન થઇ શકે તેમ હોય એવા વૃધ્ધોને શોધવા માટેનું અભિયાન શરુ કરુ. 2008ના વર્ષમાં એમણે આવા 10 વૃધ્ધોને શોધી કાઢ્યા અને એમના ઘરે રોજે રોજ ટીફીન મોકલવાની સેવા શરુ કરી. 10 ટીફીનથી શરુ થયેલી આ સેવા આજે 8 વર્ષ બાદ 180 ટીફીન સુધી પહોંચી ગ ઇ છે. રસોઇ બનાવવા માટે અલગથી બે રસોડાઓ તૈયાર કર્યા છે અને બે રસોઇયા રાખીને રસોઇ બનાવવામાં આવે છે. એક રસોડા પર સામાન્ય રસોઇ બને અને બીજા રસોડા પર ડાયાબીટીસના દર્દીઓ માટેની રસોઇ બને. દર સોમવારે મીઠાઇ પણ જમાડવામાં આવે છે.

ડો.મોદીની આ સેવામાં ઘણા યુવાનો પણ જોડાયા છે અને આ યુવાનો રોજે રોજ દાદા-દાદીઓને ગરમા-ગરમ ટીફીન પહોંચાડે છે તેમજ એમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો.મોદી આ તમામ વૃધ્ધોને જે દવાઓ આપે છે એનો પણ કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. છેલ્લા 8 વર્ષમાં એકપણ દિવસ એવો નથી ગયો કે દાદા-દાદીને ટીફીન ન મળ્યું હોય. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય છે એટલે મિત્રો અને દાતાઓ જે મદદ કરે તેમાંથી જ આ ટીફીન સેવા ચલાવે છે.

એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે ખુબ મોટી રકમ આપવાની ઓફર કરી પણ શરત એ મુકી કે આ ટીફીન સેવાની સાથે એમનું નામ જોડવામાં આવે. ડો. મોદીએ વિનમ્રતાપૂર્વક એમની ઓફરનો અસ્વિકાર કર્યો અને કહ્યુ કે જેમણે વૃધ્ધાવસ્થમાં મા-બાપની હદયથી સેવા કરી છે એવા શ્રવણનું નામ જ આ ટીફીન સેવા સાથે જોડાયેલું રહેશે. આ ટીફીન સેવાનું નામ છે “શ્રવણ ટીફીન સેવા”

આજે સગા દિકરા-દિકરીઓ માતા-પિતાને સાચવવા માટે તૈયાર નથી એવા સમયમાં બીજાના માતા-પિતાની પોતાના માતા-પિતાની જેમ જ સેવા કરતા ડો.મોદી, એમના પત્નિ અને એમની સમગ્ર ટીમને નત મસ્તક વંદન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments