પૂનમ દર મહિને એક વાર આવે છે, આમ એક વર્ષમાં પૂનમની 12 તિથિ આવે છે. પરંતુ આસો મહિનાની પૂર્ણિમાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ પૂનમ શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે 30 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે. શરદ પૂનમથી જ શરદ ઋતુનો આરંભ થાય છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશને કારણે ચારેય દિશાઓમાં રોશની જોવા મળે છે. તો ચાલો આપણે જાણીએ કે, આ પૂનમને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને કેમ આ પૂનમના દિવસે માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે…
પૂનમની તિથિએ ચંદ્ર તેની સોળ કળાથી પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે, શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશથી અમૃતનો વરસાદ થાય છે. જેના કારણે, શરદ પૂનમની રાત્રે જે પણ કોઈ વસ્તુ પર ચંદ્રના કિરણો પડે તો તે વસ્તુમાં અમૃત્વનો સંચાર થાય છે.
તેથી શરદ પૂનમની રાતે ખીર બનાવવામાં આવે છે અને તેને ચંદ્રના પ્રકાશમાં મૂકવામાં આવે છે. ખીરને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને સવારે તેને પ્રસાદ તરીકે ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ચંદ્રના પ્રકાશમાં રાખેલી ખીર ખાવાથી શરીરના રોગોનો અંત આવે છે.
શરદ પૂનમની રાત્રે લક્ષ્મી પૂજનને પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શરદ પૂનમના દિવસે દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો, તે દૂર થાય છે. અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
30 ઓક્ટોબરે સાંજે 5:47 મિનિટથી શરદ પૂનમની તિથિ પ્રારંભ થશે. બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે સવારે 8: 21 મિનિટે શરદ પૂનમની તિથિ પૂર્ણ થશે. 30 ઓક્ટોબરના રોજ પૂનની તિથિ શરૂ થવાને કારણે આ દિવસે શરદ પૂનમ ઉજવવામાં આવશે.