હિન્દુ ધર્મમાં ઘણી પરંપરાઓ છે. તેમાંથી કેટલાકના કારણો વૈજ્ઞાનિક છે તો કેટલાકના મનોવૈજ્ઞાનિક છે. સવારે ઉઠ્યા પછી કર દર્શનની પરંપરા પ્રાચીન કાળથી જ ચાલી આવી છે. કર દર્શન એટલે તમારી હથેળીને જોવી. સવારે ઉઠતાંની સાથે જ આપણે પહેલા આપણી હથેળીઓના દર્શન કરવા જોઈએ. તો ચાલો જાણીએ સવારે હથેળીના દર્શન કરવાથી શું થાય છે…
જ્યારે તમે સવારે ઉંઘમાંથી ઉઠો છો, ત્યારે તમારી બંને હથેળીને પાસે લાવી પુસ્તકની જેમ ખોલો અને નીચે આપેલો શ્લોક બોલો અને હથેળીના દર્શન કરો-
“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી,
કર મૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ્.”
અર્થાત્, મારી હાથેળીના આગળના ભાગમાં લક્ષ્મીનો, મધ્યમાં સરસ્વતી અને પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ છે.
હથેળીના દર્શનની મૂળ અનુભૂતિ એ છે કે, આપણે આપણા કર્મ પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે આપણા જીવનમાં ધન, સુખ અને જ્ઞાનમાં વધારો થાય.
હથેળીના દર્શન કરતી વખતે ભગવાન પાસે એવું માંગવું જોઈએ કે, આપણા હાથથી એવા કર્મો થાય કે જેનાથી બીજા વ્યક્તિને ફાયદો થાય. જીવનમાં આપણા હાથથી કોઈ ખરાબ કાર્ય ન થાય.
હથેળીઓના દર્શન કરતી વખતે તમારા મનમાં સંકલ્પ લો કે, હું સખત મહેનત કરીશ અને ગરીબી અને અજ્ઞાનતાને દૂર કરીશ અને આપણા આ જગતનું કલ્યાણ કરીશ.