સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, આ સંબંધને યાદ કરો એટલે મોટાભાગે તમને ઝઘડા અને ઘર કર્કશ અવાજ સંભળાય છે, પણ બધે એ સાચું નથી. સવાણી પરિવારે સુરતની સેવા અને સામાજિક ક્રાંતિમાં અગ્રેસર એવા આ બે સંબંધોમાં એક નવો આયામ સર્જ્યો છે. આ પરિવારે સામાજિક પ્રસંગોમાં સમાજને નવી રાહ ચીંધતો પરિવાર દુઃખના સમયમાં પણ સમાજને નવી રાહ ચીંધવાનું ભુલ્યા નથી. આજે સવાણી પરિવારના વસંતબેન સવાણીનું નિધન થયું હતું અને તેમને અગ્નિદાહ તેમની પુત્રવધુ એ આપી હતી.
પુત્રવધૂને પુત્રનો હક આપીને સામાજિક ક્રાંતિનો દાખલો કાયમ કર્યો
સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીના સગા ભાઈ માવજીભાઈ સવાણી (એલ.પી. સવાણી ગ્રુપ)ના પત્ની વસંતબેન સવાણીનું આજે અવસાન થયું છે. આમ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે પુત્રને પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે, સામાજિક પરિવર્તનના પવનને કારણે, દીકરીઓ હવે અવારનવાર અગ્નિસંસ્કાર કરતી જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય પુત્રવધૂએ તેની સાસુના અંતિમ સંસ્કાર કર્યા હોય એવું સાંભળ્યું છે? આ અકલ્પનીય બાબત સવાણી પરિવારમાં વાસ્તવિકતા બની છે. છેલ્લા ઘણા દિવસોથી વસંતબેન માવજીભાઈ સવાણીની સેવા કરતા તેમના પુત્રવધૂ પૂર્વી ધર્મેશભાઈ સવાણી સ્મશાન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પુત્રવધુ એ સાસુમાની તમામ વિધિમાં પુત્ર સમાન ભાગ લીધો હતો અને અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. સાસુમાના અંતિમ સંસ્કાર થતાં જ પૂર્વીબેન રડી પડ્યા હતા. સવાણી પરિવારે પુત્રવધૂને પુત્રનો હક આપી સામાજિક ક્રાંતિનો દાખલો બેસાડ્યો છે.
દેરાણી-જેઠાણીનો નવો અને ઉષ્માભર્યો સંબંધ સ્થાપિત કર્યો
વસંતબેનના અવસાનના થોડા સમય પહેલા વસંતબેન માવજીભાઈ સવાણી લાંબા સમયથી અમદાવાદમાં લીવર ફેઈલ થતા સારવાર હેઠળ હતા. ત્યારે નફરત અને બદલામાં મોખરે કહેવાતા દેરાણી જેઠાણી વચ્ચેના સંબંધોનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું. જેઠાણી વસંતબેનનો જીવ બચાવવા તેમના દેરાણી શોભનાબેન હિંમતભાઈ સવાણીએ લીવરનું દાન કર્યું હતું. સદનસીબે વસંતબેનનો આબાદ બચાવ થયો ન હતો. પરંતુ આ ઘટનાએ સમાજમાં દેરાણી જેઠાણી વચ્ચેનો એક નવો અને મધુર સંબંધ સ્થાપિત કર્યો.
સવાણી પરિવાર સામાજિક કાર્યો કરે છે
બીજી મહત્વની વાત એ છે કે વસંતબેનના અગ્નિસંસ્કારમાં લાકડાને બદલે ઈલેકટ્રીક અગિનદાહ આપીને પર્યાવરણનું પણ રક્ષણ કરવામાં આવ્યું હતું. આમ, ઘણા વર્ષોથી સવાણી પરિવાર શૈક્ષણિક, હોસ્પિટલ તેમજ સામાજિક કાર્યોમાં અગ્રેસર છે. આજે પણ સવાણી પરિવાર એલપી સવાણી ગ્રુપ, પીપી સવાણી ગ્રુપ જેવી અનેક સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યો કરે છે.
ધર્મેન્દ્ર સવાણીએ કહ્યું કે જ્યારે માતાનું અવસાન થયું ત્યારે પુત્રવધૂએ જ અંતિમ સંસ્કાર કર્યા હતા. વસંતબેન સવાણીને લીવર મેળવવા જે તકલીફ પડી હતી તે સમસ્યા સમાજના લોકોને ના પડે તેનું નિરાકરણ શોધવા માટે પહેલ હાથ ધરવા જઈ રહ્યા છે.