દૂધના ફાયદાઓ વિશે તમે જાણતા જ હશો. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે એટલું જ નહીં, પરંતુ તેમાંથી ઘણા બધા પોષક તત્વો પણ મળે છે જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ઘણા અધ્યનોમાં પણ એ સાબિત થયું છે કે, દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય યોગ્ય રાખે છે. દૂધના સેવનથી ડાયાબિટીઝથી લઈને વજન વધારો, હ્રદયરોગ અને કેન્સર જેવા અનેક રોગોથી રાહત મેળવી શકાય છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, ઉંમર પ્રમાણે દરરોજ કેટલું દૂધ પીવું આપણા શરીર માટે ફાયદાકારક છે. ચાલો તેના વિશે જાણીએ…
1) બાળજન્મથી એક વર્ષની ઉંમર સુધી :-
બાળકના જન્મથી છ મહિના સુધી તેને ફક્ત માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ. ડોકટરો પણ સલાહ આપે છે કારણ કે, આ ઉંમરે બાળકોને વધુ પોષણની જરૂર હોય છે, જે તેને ફક્ત માતાના દૂધમાંથી મળી શકે છે. નિષ્ણાતો કહે છે કે, જ્યાં સુધી બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તેને ગાયનું દૂધ આપવું જોઈએ નહીં, કારણ કે તેનાથી તેને ઘણી બધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
2) એકથી ત્રણ વર્ષની ઉંમર સુધી :-
એક થી ત્રણ વર્ષની વયના બાળકોને દરરોજ 100 થી 200 મિલી જેટલું દૂધ પીવડાવવું જોઈએ, જેથી તેમને કેલ્શિયમની યોગ્ય માત્રા મળી રહે. દૂધ સિવાય બાળકોને દહીં અને દૂધથી બનેલી ચીજો પણ યોગ્ય માત્રામાં આપી શકાય છે.
3) 4 થી 10 વર્ષની ઉંમર સુધી :-
4 થી 10 વર્ષની વયના બાળકોને દરરોજ 200 થી 300 મિલિલીટર દૂધ પીવડાવવું જરૂરી છે. આ તેમના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તમે તેમને દૂધથી બનાવેલી ચીજો પણ આપી શકો છો.
4) 11 થી 18 વર્ષની ઉંમર સુધી :-
આ ઉંમરે બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે, જેમાં દૂધનું મહત્વનું યોગદાન છે. તેથી 11 થી 18 વર્ષની વયના બાળકોએ દરરોજ ઓછામાં ઓછું ત્રણ કપ દૂધ પીવું જોઈએ.
5) 18 વર્ષથી વધુ ઉંમર :-
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે, આઇસીએમઆરના અહેવાલ મુજબ, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ બે ગ્લાસ દૂધ પીવું જોઈએ, કારણ કે આ ઉંમરે લોકોને દરરોજ 600 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે. જો તમે દરરોજ એક ગ્લાસ દૂધ પીતા હોવ તો પણ કોઈ સમસ્યા નથી. આ સિવાય કેલ્શિયમ મેળવવા માટે તમે દાળ, કઠોળ અથવા લીલા શાકભાજી ખાઈ શકો છો.