વૈષ્ણો દેવીનું વિશ્વ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર જમ્મુ-કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગરની પાસે આવેલી ટેકરીઓ પર આવેલું છે. આ ટેકરીઓને “ત્રિકુટા પર્વત” તરીકે ઓળખવામાં આવે છે. અહીં લગભગ 5,200 ફૂટની ઉંચાઇ પર વૈષ્ણો દેવીનું મંદિર સ્થિત છે. આ મંદિર ભારતનું તિરૂમાલા વેંકટેશ્વર મંદિર પછી બીજું સૌથી વધુ જોવાયેલું ધાર્મિક તીર્થસ્થળ છે. ત્રિકૂટા પર્વત પર આવેલી એક ગુફામાં વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. આ ગુફામાં દેવી મહાકાળી, લક્ષ્મી અને સરસ્વતી પિંડી રૂપે બિરાજમાન છે. આ ત્રણેય દેવીઓના સંયુક્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું “ભવન” કહેવામાં આવે છે. આ પવિત્ર ગુફાની લંબાઈ 98 ફૂટ છે. આ ગુફામાં એક મોટો ચબુતરો બનાવવામાં આવ્યો છે. આ ચબુતરા પર માતાનું સ્થાન જ્યાં દેવી સાક્ષાત બિરાજમાન છે.
‘ભવન’ તે સ્થાન છે જ્યાં માતાએ ભૈરવનાથનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે, પ્રાચીન ગુફાની સામે ભૈરવનાથનો મૃતદેહ આજે પણ હાજર છે અને માતાએ તેનો વધ કર્યો ત્યારે તેનું માથુ ત્રણ કિલોમીટર દૂર ભૈરો ખીણમાં પડ્યું હતું અને તેનું શરીર અહીં જ પડ્યું હતું. જે સ્થાન પર ભૈરવનાથનું માથું પડ્યું તે સ્થાન આજે ‘ભૈરવનાથ મંદિર’ તરીકે ઓળખાય છે. તે કટરાથી જ વૈષ્ણો દેવીના મંદિર તરફ જઈ શકાય છે, જે ભવનથી 13 કિમી અને ભૈરવ મંદિરથી 14.5 કિલોમીટર દૂર છે.
વૈષ્ણો દેવી મંદિર વિશે ઘણી વાતો પ્રચલિત છે. એકવાર ત્રિકુટા પર્વત પર એક સુંદર છોકરીને જોઈ ભૈરવનાથ તેને પકડવા ગયો. ત્યારે તે છોકરી વાયુ રૂપમાં ત્રિકુટા પર્વત તરફ ઉડવા લાગી. ભૈરવનાથ પણ તેની પાછળ દોડ્યો. એવું માનવામાં આવે છે કે, પછી માતા (તે છોકરી)ની રક્ષા માટે પવનપુત્ર હનુમાન ત્યાં પહોંચ્યા. જ્યારે હનુમાનજીને તરસ લાગી, ત્યારે તેમની વિનંતીથી માતાએ ધનુષથી એક પર્વત પર તીર ચલાવ્યું, તો તેમાંથી એક જલધારા નીકળી અને તે પાણી પીઇને હનુમાનજીએ તરસ છીપાવી હતી. પછી માતાએ એક ગુફામાં પ્રવેશ કર્યો અને ત્યાં તેમણે 9 મહિના સુધી તપસ્યા કરી હતી, ત્યારે હનુમાનજીએ ગુફાની બહાર રહીને માતાની રક્ષા કરી હતી.
પછી એકવાર ભૈરવનાથ તે છોકરીને શોધતો શોધતો આ ગુફામાં પહોંચ્યો. તે દરમિયાન એક સાધુએ ભૈરવનાથને કહ્યું કે, તું જે છોકરીને સાધારણ કન્યા સમજી રહ્યો છે તે એક આદિશક્તિ જગદંબા છે, તેથી તેનો પીછો છોડી દે. પરંતુ ભૈરવનાથે સાધુની વાત સાંભળી નહીં. ત્યારબાદ માતા ગુફામાંથી બીજો રસ્તો બનાવી બહાર નીકળી ગયા. આ ગુફા આજે અર્ધકુમારી, આદિકુમારી અને ગર્ભજુન નામથી પ્રસિદ્ધ છે. અર્ધકુમારી ગુફામાં માતાની ચરણ પાદુકા પણ છે. આ તે સ્થાન છે જ્યાં માતાએ પાછું વળી જોઈને ભૈરવનાથને જોયો હતો.
અંતે ગુફામાંથી બહાર નીકળી એ કન્યાએ દેવીનું રૂપ ધારણ કર્યું અને ભૈરવનાથને ત્યાંથી પાછા વહી જવાનું કહીને માતા ગુફામાં પાછા જતા રહ્યાં, પરંતુ ભૈરવનાથે માતાની વાત માન્યો નહીં અને ગુફામાં પ્રવેશ કર્યો. આ જોઈને, ગુફાની બહાર માતાની રક્ષા કરનાર હનુમાનજીએ તેને યુદ્ધ માટે પડકાર આપ્યો અને બંનેએ યુદ્ધ લડવાનું શરૂ કર્યું. યુદ્ધનો અંત ન આવતા વૈષ્ણો દેવીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને ભૈરવનાથનો વધ કર્યો.
એવું કહેવામાં આવે છે કે, હત્યા પછી, ભૈરવનાથે તેની ભૂલથી પસ્તાવો થયો હતો અને તેણે માતાની પાસે ક્ષમા પણ માંગી હતી. માતા વૈષ્ણો દેવી જાણતા હતા કે ભૈરવનો મુખ્ય ઉદ્દેશ મુક્તિ પ્રાપ્ત કરવાનો હતો. પછી માતાએ ભૈરવનાથને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ પ્રદાન કરી, માતાએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે, જ્યાં સુધી મારા પછી કોઈ ભક્ત તમારા દર્શન કરવા ન આવે ત્યાં સુધી મારા દર્શન પૂર્ણ માનવામાં નહીં આવે.