મુંબઇમાં સંયુક્ત પરિવારમાં રહેતા એક દંપતિને ત્યાં દિકરાનો જ્ન્મ થયો. પ્રથમ સંતાનનું આગમન કોઇ પણ પરિવાર માટે હરખનો અવસર હોય પણ આ પરિવાર માટે સંતાનનો જ્ન્મ આફત હતી. જે બાળકનો જ્ન્મ થયો એ બાળકની આંખો ફરતી નહોતી અને ગમે તેમ બોલાવવા છતા એ કોઇ જ પ્રતિભાવ આપતો નહોતો. ડોકટરને બતાવવામાં આવ્યુ ત્યારે ખબર પડી કે બાળક અંધ અને બહેરુ છે. થોડા સમય પછી ખબર પડી કે બાળક માનસિક રીતે વિકલાંગ પણ છે.

આ બાળકને સાચવવું એ પરિવાર માટે મહામુશ્કેલી હતી. ખુદ બાળકને જન્મ આપનારી જનેતા જ 4 વર્ષમાં બાળકથી કંટાળી ગઇ અને બાળકને મુકીને પિયર ચાલી ગઇ. થોડા સમયમાં જ એણે છુટાછેડા પણ લઇ લીધા. બાળકને હવે એના દાદી સાચવતા પણ થોડા સમયમાં દાદીની ધીરજ પણ ખૂટી. છોકરાના પિતાને બીજા લગ્ન કરવા માટે પરિવારના તમામ સભ્યોએ દબાણ કર્યુ પણ પિતાનું મન માનતું નહોતું. ‘જેની સાથે લોહીનો સંબંધ હતો એવી સગી જનેતા જો બાળકને ન સાચવી શકી તો નવી મા તો બાળકને કેમ સાચવે ?’ છોકરાના પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી.
ખરી મુશ્કેલી હવે શરુ થઇ. પરિવારના સભ્યોએ ભાંગી પડેલા પિતાને સહકાર આપવાને બદલે કહ્યુ, “તારે જો બીજા લગ્ન ન કરવા હોય તો આ ઘર છોડવું પડશે અથવા તો દિકરાને કોઇ આશ્રમમાં મુકી આવવો પડશે.” દિકરાને આશ્રમમાં મુકી આવવાની વાત એના પિતાને કોઇ કાળે મંજૂર નહોતી અને બીજા લગ્નબાદ માનો પ્રેમ ન મળે અથવા નવી પત્નિને થનારા સંતાનને કારણે આ દિકરાનું મહત્વ ઘટી જાય એવી દહેશતથી બીજા લગ્ન કરવાની પણ એની તૈયારી નહોતી. છોકરાના પિતાએ એના દિકરા માટે પોતાના પરિવારને છોડી દેવાનો નિર્ણય કર્યો.

પરિવારના સભ્યોની ધમકી મળી કે ‘જો તારે પરિવાર સાથે છેડો ફાડવો હોય તો તને મિલ્કતમાં પણ કોઇ જાતનો ભાગ નહી મળે’. દિકરા માટે પિતાએ મિલ્કતનો ભાગ પણ જતો કર્યો અને મુંબઇ છોડીને વાપીની એક ફેકટરીમાં કામ શરુ કર્યુ. નાના દિકરા માટે પિતાની સાથે-સાથે માતાની તમામ જવાબદારી નીભાવી. દિકરાને સાચવવામાં અને સમજાવવામાં પિતાને ખુબ મુશ્કેલી પડતી હતી પણ હિંમત હાર્યા વગર વિકલાંગ દિકરા માટે જે થાય એ બધુ જ કરતા રહ્યા. દિકરાની સારવાર પાછળ ખુબ મોટો ખર્ચ કર્યો અને દેવુ પણ કર્યુ.
દિકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપી છોડીને એ અમદાવાદમાં આવ્યા. અમદાવાદના અંધજન મંડળના માર્ગદર્શન સાથે હવે દિકરામાં થોડો સુધાર દેખાય છે પણ જેમ જેમ એની ઉંમર વધતી જાય છે તેમ તેમ એનો ગુસ્સો પણ વધતો જાય છે.

1994માં જન્મેલો શ્યામ કારેલિયા આજે 26 વર્ષનો થઇ ગયો છે પરંતું એના પિતા રાજેશભાઇ કારેલિયા માટે આજે પણ એ નાનો બાળક જ છે. રાજેશભાઇએ એના શ્યામ માટે પત્નિ, પરિવાર અને સંપતિ બધુ જ ગુમાવી દીધુ પણ એને એ વાતનો સંતોષ છે કે એણે શ્યામને નથી ગુમાવ્યો. શ્યામ રાજેશભાઇનો શ્વાસ છે અને રાજેશભાઇ એનું કામ કરતા કરતા દિકરાનું ખુબ ધ્યાન રાખે છે.
પિતાના પ્રેમ અને સમર્પણને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે.
લેખક સૌજન્ય: શૈલેષ સગપરીયા