અમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં…

623

અમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં, અને ત્યાંથી જ એમના વ્યાપાર-ઉદ્યોગનો કારોબાર ચલાવવા જરૂરી સ્ટાફને પણ સાથે લઈ જતું.

એકવાર આખું કુટુંબ દોઢેક મહિના માટે સિમલા ગયેલું. ધંધાના કામકાજ અંગે રોજ એમને ઢગલાબંધ ટપાલ આવતી. કુટુંબના પ્રત્યેક સભ્ય પોતાની ટપાલ વીણી લઈ, પરબીડિયાં ખોલી અને વાંચતાં.

કુટુંબનો એક નાનો છોકરો આ બધું જોતો. એના એકલાના નામની જ કોઈ ટપાલ આવતી નહિં. એક દિવસ એણે એના પિતાના સેક્રેટરીને કહ્યું, મને મારૂં નામ અને સરનામું લખેલાં, ટપાલ ટીકીટ ચોંટાડેલાં થોડાં પરબિડિયાં તૈયાર કરી આપો. સેક્રેટરીએ એ કરી આપ્યાં. પછી એ છોકરો રોજ પોતે જ પોતાને પત્ર લખી, પરબિડિયાંમાં નાખી, નજીકના પોસ્ટ બોક્ષમાં નાખી આવતો.

બધાની ટપાલ સાથે એની પણ ટપાલ આવવા લાગી. બધાની જેમ એ પણ પરબિડિયું ખોલી પોતાની ટપાલ વાંચતો. એના પિતાએ બે-ત્રણ દિવસ આ જોયું, પછી એક દિવસ પૂછ્યું, “તને રોજ ટપાલ કોણ લખે છે?” બાળકે હકીકત સમજાવી, તો એના પિતા હસી પડ્યા. એ બાળક એટલે આપણા મહાન ગુજરાતી અવકાશ વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈ.

કિશોરાવસ્થામાં વિક્રમ સારાભાઈને સાઈક્લિંગની કેટલીક કરામતો કરવી ખૂબ જ પસંદ હતી. સાઈકલને પૂરતો વેગ મળ્યા પછી, તેઓ પોતાના બન્ને હાથ છાતી ઉપર રાખતા અને બન્ને પગ હેન્ડલ બાર ઉપર રાખી દેતા. જો આગળનો રસ્તો સીધો હોય તો તેઓ પોતાની આંખો બંધ કરીને સાઈકલને નાકની દાંડીએ સીધી જવા દેતા જ્યાં સુધી તે જઈ શકે. આ બધી કરામતો દરમિયાન ગભરાયેલા ઘરના નોકરો તેમની પાછળ ભાગતા રહેતા અને તેમને સાઈકલ થોભાવવાની વિનંતી કરતા.

કિશોર વયમાં આવી સાહસિક પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિ આગળ જઈને બ્રહ્માંડીય કિરણો જેવા જટિલ વિષય ઉપર ૮૦ જેટલા વિદ્વત્તાપૂર્ણ સંશોધનપત્રો લખશે તે માનવું થોડું અઘરું લાગે.

કિશોરવયે જ તેમણે ટોય ટ્રેન કિટ પરથી પ્રેરણા લઈને ટ્રેક સાથેની આગગાડી બનાવી હતી, જે આજેય અમદાવાદ સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જોવા મળે છે. વિજ્ઞાનમાં ભારતને સર્વોપરી બનાવવાનું સારાભાઇનું સ્વપ્ન હતું. ચંદ્રમિશન જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિચાર પણ વિક્રમ સારાભાઇની દેન છે.

વિક્રમ સારાભાઈએ 28 વર્ષની ઉંમરે ઈસરોની સ્થાપના કરવા ભારત સરકાર સમક્ષ મજબૂત દલીલો કરી હતી. રશિયાએ સ્પૂટનિક લોન્ચ કર્યો ત્યારે તેમણે ભારત સરકારને કહ્યું કે, ભારત પણ ચંદ્ર પર જઈ શકે છે, અને છેવટે ઈસરોની સ્થાપના થઈ.

ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિક્રમ સારાભાઈને ‘ફાધર ઓફ સ્પેસ પ્રોગ્રામ’ એવું બિરુદ મળ્યું છે, તેમાં તેઓને સાથ મળ્યો સર હોમી ભાભાનો. આ વિશે તેમના જ અનુગામી ડો. એમ. જી. કે. મેનને બંનેના વ્યક્તિત્વને ઓળખીને સરસ કહ્યું છે : “વિજ્ઞાનને વિકસાવવામાં આ બંનેનો ફાળો અદ્વિતિય રહ્યો છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના તાકાતને જાણતાં હતાં અને સામાજિક પરિવર્તન અર્થે તેનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ તે માટે પ્રતિબદ્ધ હતા.”

વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર, 1971ના રોજ 52 વર્ષની વયે અવસાન થયું, એ પહેલાં તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લૉન્ચ કરવાની તૈયારી કરી હતી. આજે આપણને કેબલ ટેલિવિઝનની લક્ઝરી મળી છે, એ માટે પણ તેમનો આભાર માનવો પડે કારણ કે, 1975માં તેમણે નાસા સાથે મળીને સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપિરિમેન્ટ (એસઆઈટીઈ)ની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ટેક્સ્ટાઈલ રિસર્ચ કરતી સંસ્થા અટીરા, સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી જેવી સંસ્થાઓ થકી દેશના ખરા વિકાસનો પાયો નાંખ્યો.

ગુજરાત અને દેશના આ પનોતાપુત્રને તેમની પુણ્યતિથી નિમીત્તે શ્રધ્ધાંજલી…..

તમને આ આર્ટીકલ્સ કેવો લાગ્યો, એ અમને કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો, અને તમને જો આ આર્ટીકલ્સ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો, વધારે સારા આર્ટીકલ્સ, સુવિચાર, જોકસ અને દેશ-દુનિયાના તમામ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા માટે ફેસબુકમાં આપણા પેજને લાઈક જરૂર કરજો.

Previous articleઆજે બનાવો ગ્રીન તુવેરના લીલવા મેથીનો હાંડવો…
Next article6 લાખથી પણ ઓછી કિંમતની આ કાર છે બેસ્ટ, કંપની પણ આપી રહી છે ડિસ્કાઉન્ટ….