વિચારો કે જો ક્યારેય એવું બને કે રાત થાય જ નહીં અને સૂર્ય 24 કલાક સુધી રહે તો શું થાય. જો રાત પડે જ નહીં તો સુવા, જાગવા, ખાવા અને કામ કરવાનો સમય ફરી જાય.વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે. જ્યાં દિવસ અને રાત બંનેમાં સૂર્ય પ્રકાશિત રહે છે. ક્યારેય રાત થતી જ નથી. સૂર્ય અને ચંદ્રનું પ્રકાશિત થવું એ એક પ્રક્રિયા છે. તેનાથી દિવસ અને રાતનું ચક્ર પૂર્ણ થાય છે. પરંતુ એ પણ સાચું છે કે વિશ્વમાં કેટલાક સ્થળોએ રાત થતી જ નથી. તો ચાલો જાણીએ આવા દેશો વિશે…
નાર્વેને ‘લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન’ તરીકે ઓળખવામાં આવે છે. આ એવું સ્થાન છે જ્યાં મે મહિનાથી જુલાઈના અંત સુધી સૂર્ય અસ્ત જ નથી થતો. અહીં સૂર્ય 76 દિવસ સુધી સતત રહે છે. અહીંના ઉત્તરીય ભાગમાં, ઉનાળા દરમિયાન સૂર્ય બે મહિના સુધી અસ્ત થતો નથી. અહીં રાત્રે પણ ખૂબ જ અજવાળું હોય છે.
દરેક જગ્યાએ 24 કલાક દિવસ અને રાત હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ફિનલેન્ડ એક એવો દેશ છે જ્યાં સૂર્ય સંપૂર્ણ 23 કલાક રહે છે. અહીં કેટલીક એવી જગ્યાઓ પણ છે, જ્યાં ઉનાળામાં 73 દિવસ સુધી રાત નથી પડતી. અહીં લગભગ 1,87,888 તળાવો છે તેથી તેને તળાવોનો દેશ પણ કહેવામાં આવે છે. અહીંની સુંદરતા લોકોને આકર્ષિત કરે છે.
અલાસ્કાની સુંદર હિમનદીઓ ખૂબ આકર્ષક લાગે છે. અહીં પડતો સૂર્યપ્રકાશ તેને વધુ સુંદર બનાવે છે. અહીં સૂર્ય હંમેશાં મે મહિનાથી જુલાઇ સુધી રહે છે. અહીંની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં બપોરના 12.30 વાગ્યે સૂર્યાસ્ત થઈ જાય છે અને 51 મિનિટ પછી ફરી પાછો સૂર્યોદય થાય છે.
આઇસલેન્ડ એ ગ્રેટ બ્રિટન પછી યુરોપનો સૌથી મોટો ટાપુ છે. અહીં મધ્યરાત્રિએ પણ તમે સૂર્યપ્રકાશનો આનંદ માણી શકો છો. અહીં પણ મધ્યરાત્રિએ સૂર્યપ્રકાશ જોવા મળે છે, અને રાત પડતી જ નથી.
ક્ષેત્રફળની બાબતમાં કેનેડા વિશ્વમાં બીજા ક્રમે છે. કેનેડા સૌથી વધુ સમય બરફથી ઢકાયેલું રહે છે. ઉનાળાના દિવસો દરમિયાન અહીં રાત પડતી નથી, કારણ કે ઉનાળામાં અહીં સૂર્ય અસ્ત જ નથી થતો.