Homeજીવન શૈલીમાત્ર શોખથી વ્યસનના રવાડે ચડી ગયેલા યુવાનો માટે આ ડોકટરે જે કહ્યું,...

માત્ર શોખથી વ્યસનના રવાડે ચડી ગયેલા યુવાનો માટે આ ડોકટરે જે કહ્યું, એ દરેક યુવાને જરૂર વાંચવું જોઈએ…

‘જો એપેન્ડીક્સ કરવું હશે, તો એક પેગ તો પીવો જ પડશે.’ સર્જરી રેસીડેન્સીના ફર્સ્ટ યરમાં, મારી સામે વ્હીસ્કીનો પેગ ભરીને મારા સીનીયરે કહેલું. આજ સુધી ક્યારેય પપ્પા કે દાદાને શરાબ પીતા જોયેલા નહીં. પીવાની વાત તો એક બાજુ, અમારા ઘરમાં આલ્કોહોલ કે સિગરેટનો ઉલ્લેખ સુદ્ધા થતો નહીં. દાદા એક સિદ્ધાંતવાદી અને નૈતિકતાનું ચુસ્તપણે પાલન કરનારા શિક્ષક. પપ્પા શિસ્તના આગ્રહી અને સીધી લીટી પર ચાલનારા, કોફી સિવાય કશું પીવે પણ નહીં. સતત મારી સાથે રહેનારી, મારી દરેક ઈમોશનલ જરૂરીયાત પૂરી કરનારી અને મને શિક્ષણમાં રસ લેતી કરનારી મારી મમ્મી મૂળભૂત રીતે પુસ્તકોનો જીવ. એને હવા, પાણી વગર ચાલે પણ પુસ્તકો વગર ન ચાલે.

આવા કુટુંબમાં ઉછરેલા મને, એ વ્હીસ્કીના પેગ સુધી પહોંચવામાં કેટલો સમય લાગવો જોઈએ ? આ સવાલનો જવાબ વિચારવામાં તમને જેટલો સમય લાગે, એનાથી પણ ઓછા સમયમાં હું એ ગ્લાસ સુધી પહોંચી ગયેલો. દૂષણની દિશામાં લઈ જતા રસ્તાના વળાંક પાસે સૌથી મોટું ચેકપોસ્ટ મૂલ્યોનું હોય છે. મૂલ્યો અને નૈતિકતાની બેડીઓ એટલી વજનદાર હોય છે કે આપણા પગને જકડી રાખે છે. તેમ છતાં, સદાચારની એ બેડીઓમાંથી હું છટકી નીકળ્યો કારણકે મહત્વકાંક્ષા નામના પંખીને જ્યારે પાંખો આવે છે ત્યારે નૈતિકતાનું વૃક્ષ એને ઉડતા અટકાવી નથી શકતું.

મારે સર્જરી શીખવી’તી, સર્જન બનવું’તું, સીનીયર્સની ગેન્ગમાં સ્વીકાર્ય બનવું’તું એન્ડ અબાવ ઓલ, બુદ્ધિજીવી અને પ્રતિભાશાળી હોવાનો દેખાડો કરવો’તો. એટલે મેં ગ્લાસ ઉપાડી લીધો. રેશનલીસ્ટ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે કરેલા દરેક સારા કે ખરાબ કાર્યને આપણે સુંદર રીતે જસ્ટીફાય કરી શકીએ છીએ. આપણા દરેક કૃત્યને વાજબી ઠેરવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ‘આ જગતમાં સારું કે ખરાબ કશું હોતું જ નથી. દરેક બાબત આપણા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે.’ અને બસ, આ જ રીતે આપણે લીધેલા દરેક નિર્ણયોને આપણે યોગ્ય ઠેરવતા જઈએ છીએ.

એ પછી સર્જરીઝ મળતી ગઈ, સર્જીકલ સ્કીલ્સ પણ વધતી ગઈ. પણ આલ્કોહોલ નામની નવી બનેલી ગર્લફ્રેન્ડ સાથેનો ગેરકાયદેસર સંબંધ ઘણા સમય સુધી ચાલુ રહ્યો. કોઈ પૂછે તો વટથી કહેતો કે ‘Occasionally લઉં છું’ પણ એ Occasionsની ફ્રિકવન્સી વધતી ગઈ. પુના ગયા પછી મારી આ પ્રેમિકા સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો. જેમ જેમ લેખકો, કવિઓ અને કલાકારોના સંપર્કમાં આવતો ગયો, તેમ તેમ મને આ પ્રેમિકા પ્રત્યે ગર્વ થવા લાગ્યો. (No offense please)

ધીમે ધીમે મારી અંદર રહેલો અપરિપક્વ, અબૂધ અને અજ્ઞાત જીવ એવું સમજવા લાગ્યો કે સર્જન કે સર્જક બનવું હોય તો સિગરેટ, આલ્કોહોલ કે તમાકુ જેવી એકાદ ‘મિસ્ટ્રેસ’ સતત સાથે હોવી જોઈએ. પણ આ તબક્કે હું મારી એ જાતને એમ સમજીને માફ કરી દઉં છું કે એ સમયે તેણે કોઈ અધ્યાત્મિક કસરત આદરી નહોતી. મારી અંદર રહેલું કોઈ એ સમયે બાલ્યાવસ્થામાં હતું અને આપણી જ અંદર રહેલા કોઈ બાળક સાથે શેના રિસામણા ?

એક ખાસ મિત્રના કહેવા પર, સિગરેટ પણ ટ્રાય કરી. ધુમાડા તો થયા પણ અંદર કશું સળગ્યું નહીં. એ સમયે એટલું તો સમજાયું કે જ્યાં સુધી આગ આપણી બહાર લાગ્યા કરશે, ત્યાં સુધી અંદર કશું જ બદલાવાનું નથી. બહાર લાગેલી આગના ધુમાડા આપણી અંદર જાય, એના કરતા અંદર લાગેલી આગના ધુમાડા બહાર નીકળવા જોઈએ, એવી સમજણ આવતા વર્ષો વીતી ગયા.

મારે ત્યાં દીકરીનો જન્મ થયો અને કુદરતે મારા પર આશિષ વરસાવ્યા. સુપર સ્પેશીયલીસ્ટ તબીબ, લેખક, સર્જક, પિતા અને આવા કેટલાય ફેન્સી વિશેષણો લગાડ્યા પછી પણ જૂની પ્રેમિકા સાથેની ‘Occasional’ મુલાકાત ચાલુ રહી. જીવન સંપૂર્ણ હતું, અને તેમ છતાં સંતૃપ્ત નહોતું. મારી આસપાસ વ્યાપેલો આ તે કેવો ખાલીપો હતો, કે જેને ભરવા માટે હું સિગરેટના કશ કે શરાબના જામ ભર્યા કરતો. મારા ત્રીજા કે ચોથા પુસ્તક પછી મને સમજાયુ કે ખાલીપો મારી બહાર નહીં, મારી અંદર છે.

લખવું એ મારા માટે એક એવી થેરાપી હતી, જેણે મારી જાણ બહાર મને સાજો કરી દીધો. સંતૃપ્ત, સમૃદ્ધ અને સદ્ધર બનાવી દીધો. હું એ વાતથી ક્યાંય સુધી અજાણ રહ્યો કે મેં લખેલા દરેક પુસ્તક સાથે મારી અંદર રહેલું કોઈ પરિપક્વ થઈ રહ્યું છે. આ જગત અને જીવન પ્રત્યે સભાન બની રહ્યું છે. આત્મ-સાક્ષાત્કાર તો બહુ મોટી ઘટના છે, પણ હું એને જાત પ્રત્યેની સભાનતા તો કહી જ શકીશ. એક પ્રતીતિ, રીયલાઈઝેશન કે લાર્જર ધેન લાઈફ અનુભૂતિ. બહુ ચોકસાઈ અને ચીવટથી કહું, તો હું એના માટે ‘epiphany’ શબ્દ વાપરીશ. એક એવી અનુભૂતિ, જે તમારી જિંદગી બદલી નાખે. જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખે.

ત્યારથી લઈને અત્યાર સુધી, મેં મારી પ્રેમિકાને સ્પર્શ પણ કર્યો નથી. I have become completely sober. વ્યસન તો ક્યારેય હતું જ નહીં, પરંતુ પેલી પ્રસંગોપાત થતી ઘેલછા પણ હવે નથી થતી. અને એ વાત હું પૂરા ગર્વ અને આત્મવિશ્વાસથી કહી શકું છું કે હું આજીવન સોબર જ રહીશ. આ કોઈ પ્રતિજ્ઞા નથી, પણ અંતરનો ખાલીપો ભરાયા પછીનો ઓડકાર છે.

ગમે તેટલો નજીકનો મિત્ર મારી સામે બેસીને આલ્કોહોલ કે સિગરેટનું સેવન કરતો હોય, તેમ છતાં પણ જરાય વિચલિત થયા વિના હું પૂરી સ્વસ્થતા અને તટસ્થતાથી એની સાથે વાતો કરી શકું છું. આલ્કોહોલ કે સિગરેટ પીનારાઓને જજ કર્યા વગર, એમના પ્રત્યે કોઈપણ જાતનો અણગમો રાખ્યા વગર કે એમની નિંદા કર્યા વગર હું એમની કંપની એન્જોય કરી શકું છું. એમના પ્રત્યે કોઈ ફરિયાદ નથી, બસ એમના માટે એક પ્રાર્થના છે કે એમને પણ કોઈ એવી પ્રવૃત્તિ મળી જાય, જે એમના અંતરનો ખાલીપો ભરી શકે.

ક્ષણિક આનંદની શોધમાં ભટકી રહેલી જાતને વિરામ આપવા માટે કંઈક એવું શોધવું જ પડે છે, જે આપણને જાત સાથે મૂલાકાત કરાવે. જેમના માટે પોતાના જીવન અને વિચારોની વાસ્તવિકતા અસહ્ય બની જાય છે, તેમણે આ વાસ્તવિકતામાંથી ક્ષણિક છુટકારો મેળવવા માટે વ્યસનનો સહારો લેવો પડે છે. પણ નશાની અસર ઉતર્યા પછી જ્યારે ફરી એકવાર આપણું એ જ વાસ્તવિક વિશ્વમાં લેન્ડીંગ થાય છે ત્યારે આપણી અંદર રહેલો ખાલીપો અનેકગણો વધી ગયેલો હોય છે. અને એ ખાલીપાને ભરવા માટે ફરીથી આપણે જામ ભરીએ છીએ. વાસ્તવમાં અંદર વ્યાપેલો ખાલીપો ભરી નથી શકતા, એટલે આપણે જામ ભરતા હોઈએ છીએ.

હકીકતમાં આપણે દરેક બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસોર્ડર ધરાવીએ છીએ. લાગણીઓને હેન્ડલ કરવાની આપણી અણઆવડત જ આપણને સૌથી વધારે પીડા આપે છે. અને આ જ પીડા આપણને નશો કરાવે છે. કોઈના દ્વારા સ્વીકાર મેળવવાની ઝંખના કે કોઈના તરફથી અસ્વીકાર મળ્યાની વેદના આપણને નશા તરફ લઈ જાય છે. એ ઉજવણી હોય કે માતમ, સ્વીકારની તલપ હોય કે તિરસ્કારનું દુઃખ, મિત્રોની સંગત હોય કે એકલતાની પીડા, થોડા સમય માટે વાસ્તવિકતાથી ભાગવાનો એક તકલાદી ઉપાય એટલે નશો. પણ ખાલી થઈ રહેલો દરેક જામ, પ્યાલો કે પેગ આપણી અંદર અનેકગણા વધારે ખાલીપાનું સર્જન કરતો જાય છે.

બાળપણમાં થતા આઈસ્ક્રીમ-ચોકલેટના ક્રેવીંગથી લઈને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા કોઈ યોગી સુધી, આપણે દરેક અધ્યાત્મિક ઉત્ક્રાંતિના અલગ અલગ તબક્કામાં હોઈએ છીએ. હશે, જીવનનો કોઈ તબક્કો કાયમી નથી રહેતો. પણ સ્વ-તપાસ કરવાની જવાબદારી તો આપણા સૌની છે. પ્રશ્ન ફક્ત એટલો જ છે કે બહારથી કશુંક અંદર જાય, ત્યારે એ ખાલીપો વધે છે કે ઘટે છે ? જો એટલું સમજાય, તો એ તબક્કામાંથી બહુ સરળતાથી બહાર નીકળી શકાય. નહીં તો આખું જીવન બોટલના ઢાંકણાં ખોલવામાં જ પસાર થઈ જાય.

જે પદાર્થ કે પ્રવૃત્તિ આપણને વીસ વર્ષે મજા કરાવતી, એ જ પ્રવૃત્તિ જો આપણને ચાલીસમાં વર્ષે પણ મોજ કરાવે તો સમજવું કે આપણે ત્યાંના ત્યાં જ છીએ. આપણામાં કોઈ સુધાર, પરિવર્તન કે પ્રગતિ નથી. ઉત્ક્રાંતિ માટે એ બહુ દુઃખદ ઘટના છે, જેમાં વર્ષો સુધી આપણે કોઈ એક જ આનંદ, અનુભૂતિ કે મુકામ પર અટકેલા રહીએ. આપણે બધું ટ્રાય કરી લીધું અને છતાં અંદર રહેલું કશુંક તૃપ્ત નથી થતું, એ પ્રતીતિ જેટલી વહેલી થાય એટલું સારું. કારણકે કેટલાક ખાલીપા બહુ વજનદાર હોય છે. જો સમયસર કોઈ અર્થસભર પ્રવૃત્તિ, પ્રેમ કે સંગાથ ન મળે, તો એ ખાલીપો આપણું અસ્તિત્વ ડૂબાડી શકે છે.

લેખકઃ- ડૉ. નિમિત્ત ઓઝા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments