Home ખબર ઉનાળામાં ઘરમાં વીજળીનો પાવર ના હોય તો શું થાય? લોકોએ વીજ કચેરીનો...

ઉનાળામાં ઘરમાં વીજળીનો પાવર ના હોય તો શું થાય? લોકોએ વીજ કચેરીનો પાવર બંધ કરી અધિકારીઓ અને કામદારોને પાવર વગર કેવી હાલત થાય તેનો અનુભવ કરાવ્યો

87

માંગરોળ પંથકના મકતુપુર ગામને હાલમાં શીલ જ્યોતિગ્રામ 66KV માંથી વીજ પુરવઠો ફાળવવામાં આવી રહ્યો છે, પરંતુ વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોએ લોએજ ગામમાં અલગ થી 66KV નું સબસ્ટેશન ઉભુ કરી તેને જોડવા માંગ કરાઇ હતી. જેને દોઢ વર્ષથી મંજૂર પણ કરવામાં આવી છે.

દરમિયાન છેલ્લા ઘણા સમયથી વીજળીના મોટા ધંધાને કારણે મહિલાઓ, બાળકો અને શ્રમિક વર્ગની હાલત દયનીય બની છે. અનિયમિત અને અપૂરતા વીજ પુરવઠાના મુદ્દે પંચાયતના અધિકારીઓ દ્વારા અનેક મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ દિવસમાં દસથી બાર વખત લાઇટ આવતી-જતી રહે છે. આ સ્થિતિમાં રહેતા લોકો રાત્રે પણ સૂઈ શકતા નથી. અસહ્ય ગરમી અને ભેજ વચ્ચે ગઈકાલે સવારથી સાંજ સુધી ગ્રામજનોની લાઈટો બંધ રહી હતી.

દરમિયાન આજે સરપંચ રામજીભાઇ અઢીયા, માજી સરપંચ નારણભાઇ વાજા, ટી.પી. સદસ્યો બાલુભાઇ કોડીયાતર, ઉપ સરપંચ કાનજીભાઇ ગરેજા, તાલુકા કિસાન મોરચા પ્રમુખ સુદાભાઇ કોડીયાતર, ભરતભાઇ પરમાર, પુનમબેન ગરેજા સહિત ગ્રા.પં. સભ્યો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો વિજ કચેરી ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

રોજબરોજ લાઇટની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો અને રોષે ભરાયેલા ગામજનોએ ધોમધખતા તાપમાં વીજ કચેરી ઓફિસની લાઇટો બંધ કરી દેતા લોકોની શું હાલત થાય છે? તેનો અધિકારીઓ અને કર્મચારીઓને અનુભવ કરાવ્યો હતો. ગ્રામજનોના ગુસ્સાને જોતા વિજ કચેરીની ઓફિસે પોલીસ બોલાવવી પડી હતી. અધિકારીઓએ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી પાંચ દિવસમાં સમસ્યા હલ કરવાની ખાતરી આપતા આખરે મામલો શાંત થયો ​​હતો.