વિશ્વની સૌથી ખરાબ મમ્મી શીખવાડી રહી છે કે બાળકોને કેવી રીતે રાખવા જોઈએ ?

303

‘છેલ્લા કેટલાય દિવસોથી મારો નવ વર્ષનો દીકરો મને પૂછી રહ્યો હતો કે ધારો કે હું ક્યાંક ખોવાઈ જાઉં, તો હું મારી જાતે આપણું ઘર શોધી શકું કે નહીં ? તો મને થયું કે લાવ, એની શંકા દૂર કરી દઉં. એક રવિવારે અમે ન્યુયોર્ક શહેરના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં પહોંચ્યા. મેં એને ઘર સુધી પહોંચવાનો નકશો આપ્યો, મેટ્રોનું કાર્ડ આપ્યું, વીસ ડોલર આપ્યા અને કહ્યું, હું જાઉં છું. તું તારી જાતે ઘરે પહોંચી જજે. મેં એને મોબાઈલ નહોતો આપ્યો. પણ એને મારો નંબર યાદ હતો એટલે જરૂર પડે તો ગમે ત્યાંથી એ મને ફોન કરી શકે.’

હવે એક ઊંડો શ્વાસ લઈને આગળનું લખાણ વાચો. ‘એ કેવી રીતે ઘરે પહોંચશે ? એ જોવા માટે કોઈ જાસૂસની જેમ, મેં એનો પીછો નહોતો કર્યો. મેં એને એના આત્મવિશ્વાસ, સમજણ અને ભગવાનના ભરોસે છોડી દીધો. મેં ધારી લીધું કે એ ભૂલો પડશે તો કોઈ અજાણી વ્યક્તિને રસ્તો પૂછશે. ઈશ્વરની જેમ, એ અજાણી વ્યક્તિ ઉપર પણ મેં વિશ્વાસ મૂકી દીધો. અને શું થયું ખબર છે ? થોડા જ સમય પછી અન્ડર-ગ્રાઉન્ડ મેટ્રોમાં એકલો મુસાફરી કરીને, એ ઘરે પહોંચ્યો. મેં એનું સ્વાગત કર્યું. એના ચહેરા પર રહેલું વિજયી સ્મિત, એનો આત્મવિશ્વાસ અને કોઈ મહાન સફળતા મેળવી હોય એવો એનો આનંદ હું આજીવન ભૂલી નહીં શકું.’

ન્યુયોર્કના એક જાણીતા અખબારના કોલમીસ્ટ અને અંગ્રેજી લેખિકા લેનોર સ્કીનાઝીએ ૨૦૦૮માં આ વાત પોતાના બ્લોગ પર લખી. અને તેમના પર આલોચનાનો વરસાદ થયો. ઈન્ટરનેટ યુઝર્સ અને મીડિયાએ તેમને ‘World’s worst mom’નો ખિતાબ આપી દીધો. નેટીઝન્સે આકરી પ્રતિક્રિયા આપતા તેમના બ્લોગ પર લખ્યું, ‘પોતાના બાળક સાથે આટલું ખરાબ વર્તન કોઈ નિર્દય અને ક્રૂર માતા જ કરી શકે.’

પોતાના પર લાગેલા ‘વર્લ્ડ’સ વર્સ્ટ મોમ’ના લેબલને લેનોર સ્કીનાઝીએ ઉદારતાથી સ્વીકારી લીધું અને પોતાની વાત રજૂ કરવા માટે થોડા સમય પછી એક પુસ્તક લખ્યું ‘Free Range Kids’. એ સાથે જ બાળકોની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ વધારવા માટે તેમણે એક સંસ્થાની સ્થાપના કરી, જેનું નામ હતું ‘Let Grow’. બાળકોને ઉછેરવાની તેમની ફિલોસોફી ધીમે ધીમે એટલી લોકપ્રિય બનતી ગઈ કે તેમણે પોતાનો એક ટેલીવિઝન રિયાલિટી ટોક-શો શરૂ કર્યો. જેનું નામ છે, ‘વર્લ્ડ’સ વર્સ્ટ મોમ.’ એ કેવી વક્રતા છે કે લેનોરના ક્રાંતિકારી વિચારો અને પેરેન્ટિંગ વિષયક સલાહ મેળવવા માટે વિશ્વભરના વાલીઓ ગુગલ પર સર્ચ કરે છે, ‘વર્લ્ડ’સ વર્સ્ટ મોમ’ !

બાળ-ઉછેર અને બાળમાનસશાસ્ત્રમાં આવેલા એક નવા અને ક્રાંતિકારી કન્સેપ્ટ ‘Free-Range Parenting’ના પ્રણેતા એટલે લેનોર સ્કીનાઝી. જે વાત પોતાના પુસ્તકોમાં ગિજુભાઈ બધેકાએ લખી છે, એ જ વાત ન્યુ-યોર્કમાં રહેલી લેખિકા અને હવે સર્વસ્વીકૃત બાળ-ઉછેર માર્ગદર્શક લેનોર સ્કીનાઝી કહે છે. પેન્ડેમિકને કારણે જ્યારે છેલ્લા દોઢ વર્ષથી બાળકો સતત ઘરમાં રહ્યા છે, ત્યારે બાળકોના દ્રષ્ટિકોણથી વિચારીએ તો આ જગત કેટલું ડરામણું લાગતું હશે !

ચોવીસ કલાક ઘરમાં રહેતા અને સતત વાલીઓની નજરકેદમાં રહેતા બાળકો ધીમે ધીમે એવું માનવા લાગે છે કે બહારની દુનિયા તો બહુ ભયાનક છે. આપણી માટે તો આપણું ઘર જ સૌથી સુરક્ષિત છે. એ લેનોર હોય કે ગિજુભાઈ, બાળવિકાસમાં રસ લેનારા દરેક કેળવણીકારની મુખ્ય ચિંતા એક જ હોય છે. ‘બાળક જો પોતાનો થોડો સમય મમ્મી-પપ્પાની નજર અને ઘરથી દૂર રહીને સ્વતંત્રરીતે પસાર નથી કરતું, તો તેનામાં આત્મવિશ્વાસ અને સોશિયલ સ્કીલ્સ કઈ રીતે વિકાસ પામશે ?’ બસ, આ જ વિચાર પર ‘લેટ ગ્રો’ જેવી સંસ્થાઓ કામ કરી રહી છે.

દિવસમાં થોડો સમય બાળકને તમારી નજરથી દૂર રહેવા દો. ઘરના પડોશમાં, ખુલ્લા મેદાનમાં, ફ્લેટના પાર્કિગમાં, કોઈ યોગા-કરાટે કે માસ્ટર ક્લાસમાં એકલા જવા દો. બહુ લાંબુ અંતર નહીં, પણ તમને યોગ્ય લાગે એટલું ઘર સુધીનું સુરક્ષિત અંતર બાળકને સ્વતંત્રરીતે કાપવા દો. ભલે અડધો કિલોમીટર, પણ સ્વબળે અને જાત મહેનતે ઘરે પહોંચ્યાનો આનંદ બાળકના સ્વમાન, આત્મવિશ્વાસ અને આનંદમાં બુસ્ટર ડોઝનું કામ કરે છે. કોઈની મદદ, દેખરેખ કે માર્ગદર્શન વગર સ્વતંત્રરીતે રમવાનો, સમય પસાર કરવાનો અને ઘરે પાછા આવવાનો આનંદ બાળકની ક્ષમતાઓમાં વધારો કરે છે. બાળકમાં આવેલો આ કોન્ફીડન્સ જીવનના દરેક તબક્કે કેરી-ફોરવર્ડ થાય છે. ‘ફ્રી-રેન્જ પેરેન્ટિંગ’ આ જ ઉદેશ્યથી કામ કરે છે.

એ વાસ્તવિક્તા ડરામણી, અપ્રિય અને કડવી લાગે છે પણ મોટા થયા પછી જીવનના આવા કેટલાય રસ્તાઓ આપણા સંતાનોએ કોઈની મદદ વગર જાત મહેનતે જ શોધવા પડશે. એ સમયે એમના બાળપણમાં આપણે રોપેલો આ કોન્ફીડન્સ એમની મદદ કરશે. એમના અપહરણ, ઉઠાંતરી કે અકસ્માતના ભયને કારણે ઓવર-પ્રોટેક્ટીવ થઈ ગયેલા મા-બાપને લેનોર કહે છે કે તમારા બાળકોને દૂરથી ઓબ્ઝર્વ કરો. એમને ખ્યાલ પણ ન આવવા દો કે તમે એમને નિહાળી રહ્યા છો. આમ કરવાથી એમની સલામતી અને સ્વતંત્રતા બંને જળવાશે. સલામતી સાથે સ્વતંત્રતા આપવી, એ જ તો બાળ-ઉછેર છે !

લેખક:- ડૉ. નિમિત્ત ઓઝા

Previous articleસામાન્ય માણસ લાગતો આ વ્યક્તિ છે ધનવાન કુટુંબનો નબીરો, છતાં આવી જીંદગી જીવી રહ્યો છે, કારણ જાણીને વંદન કરશો
Next articleજ્યારે અંગ્રેજોએ 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું એ સમયે ભારતીય રાજા શું કરતા હતા, જાણવા માંગો છો ?